સહારોય કાફી..!
અમારે તો બસ, એ સહારોય કાફી,
કે, સૂરજ નહીં તો સિતારોય કાફી !
જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,
હૃદયથી થતો એક ઈશારોય કાફી !
ભરી આશ ખોબે, અમે ઊભા કાંઠે,
આ જળ સાથે, થોડો પનારોય કાફી !
કસોટી ક્યાં ઓછી છે, આ જિંદગીમાં ?
સફળ થાવા, નક્કર વિચારોય કાફી !
દિશાઓ બધી જો ફરી જાય તો શું ?
ધરા પર અમારો ઈજારોય કાફી !
સુનીલ શાહ