January 25th 2008

દ્વાર રાખ્યાં છે.

સમયના ઘાવ હિસ્સેદાર રાખ્યા છે,

અમે આ શ્વાસને નાદાર રાખ્યા છે.

 

પળેપળ સાવ ખાલી થાઉં છું તેથી,

સતત ભીતરને ભરવા દ્વાર રાખ્યાં છે.

 

ઉખેડી નાંખી સઘળાં બંધનો આજે,

બધા સંબંધ બારોબાર રાખ્યા છે.

 

વિચારો જયાં અગન આપી ડરાવે, ત્યાં–

વરસતાં વાદળો બે–ચાર રાખ્યાં છે.

 

કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!

ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

(લગાગાગા લગાગાગા લગાગાગા)

સુનીલ શાહ

 

 

January 15th 2008

રેખા ફળી છે ક્યાં..?

હથેળી ખોલીને તું જો, બધી રેખા ફળી છે ક્યાં?

લખાઈ એટલી વાતો કદી સાચી પડી છે ક્યાં?

 

અચાનક કોઈ આવ્યું ને, વ્યથા છોડી ગયું કેવી..!

ભરેલી લાગણીઓને વરસવાની ઘડી છે ક્યાં?

 

સમાવ્યું એટલું ભરચક, કે છલકાયું દરદ આંખે,

રગેરગમાં ફરે છે જે, એ પીડાને ગણી છે ક્યાં?

 

સમય, સંજોગથી પર તો કશું હોતું નથી અંતે,

છતાં વરસો પછી પણ જો, લીટી લમણે પડી છે ક્યાં?

 

ભરીને ડૂમો બેઠું જે, અજાણ્યું કોઈ વાદળ છે,

જરા વરસી જુએ થોડું, પછી ઓળખ નવી છે ક્યાં?

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

સુનીલ શાહ

January 6th 2008

હાઈકુ

કાલચક્રનું

શોધું છું  રહસ્ય હું,

ક્ષણો તોડીને

***

આજે પીછું છું

કાળના પંખીનું, ને

ખરીશ કાલે

***

ખતમ થશે

શ્વાસનો આ પ્રવાસ,

સપનાં ફળ્યાં ?

સુનીલ શાહ