December 31st 2007
સાથ દે તો તમસ પી જોઉં હું,
સૂર્યને આમ માપી જોઉં હું.
વેદનાની અમીરી ઊગે જયાં,
ત્યાં દિલાસાઓ આપી જોઉં હું.
અડચણો આવે સામટી તો પણ,
પ્રેમનો પંથ કાપી જોઉં હું.
આંખો તારી હજીયે છલકે છે,
થાય, આખી નદી પી જોઉં હું.
વીજની જેમ ચમકીને ઝટઝટ
મેઘના અર્થ માપી જોઉં હું.
(ગાલગા ગાલગાલ ગાગાગા)
સુનીલ શાહ
December 22nd 2007
બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!
પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!
પથ્થરને ઠોકર મારી ખુદને ઘાયલ કરતો જાશે,
ને ઘાંટા પાડી ઘાને ચૂમે, કેવો છે આ માણસ..!
પોતાના ઘરને તો જંગલ..જંગલ સમજે છે સાલો,
ને વાનરની જેમજ કૂદે, કેવો છે આ માણસ..!
ભ્રષ્ટાચારી થૈ નોટોના બંડલ ગજવે ઘાલે ને,
ઈશ્વરની માફક પૈસા પૂજે, કેવો છે આ માણસ..!
બીજાની લીટી નાની કરવા ગોરખધંધા માંડે,
ને પોતાનું કદ દેખી ફૂલે, કેવો છે આ માણસ..!
સંબંધો તો પૈસાની મીટરપટ્ટીથી માપે છે,
માપે, નોંધે ને પાછો ભૂલે, કેવો છે આ માણસ..!
(છંદ વિધાનઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)
સુનીલ શાહ
December 15th 2007
હું એટલું માંગુ કે તું હરપળ મળે
આંખો ઉઘાડું ને કદી ઈશ્વર મળે.
પરવા નથી કરતો હવે આ આંસુની,
છો દર્દ આવી, મન ભરી પળપળ મળે.
જો, આ તડપ, ઘૂટન, ને પીડાસમ સફર,
કોઈને જળ તો કોઈને મૃગજળ મળે.
આપે જો કારણ તો વિરહનું આપજે,
ચાતક સમી કોઈ નજરનું બળ મળે.
ગઝલો ફરી પાછી લખાશે યાદની,
એથી ભલે સમજણ યા તો અટકળ મળે.
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
December 10th 2007
ચાલ આકાશમાં ઊડીને આવીએ,
એક તારાને તો ચૂમીને આવીએ.
જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે,
દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.
કેમ નડતર થયું ચાંદને મારગે,
એ ગ્રહણને જરા પૂછીને આવીએ.
ભોંય ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ,
લાગણીના બળે ઊઠીને આવીએ.
રોજની આ તડપ, ને વ્યથાની કથા,
થાય છે, આ બધું ભૂલીને આવીએ.
(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)
સુનીલ શાહ
December 1st 2007
છોડી દે તું, એ દર્પણ છે,
દિલની એને ક્યાં સમજણ છે ?
જે સળગે છે ભીતર એ તો,
કોઈ પીડાનું કારણ છે.
જોયું તારી આંખોમાં જે,
પળપળ અવઢવનું પ્રકરણ છે.
જોઉં દુનિયા જૂના ચશ્મે,
ભ્રમણા છે કે આ ઘડપણ છે ?
આવે છે ઘરમાં એક કોયલ,
જાણે સૌ સાથે સગપણ છે !
(ગાગાગા ગાગા ગાગાગા)
સુનીલ શાહ